ઈસ્લામ અને મુસલમાન (ગેરસમજો અને પૂર્વગ્રહો)

Opinionઈસ્લામ અને મુસલમાન (ગેરસમજો અને પૂર્વગ્રહો)

Hidayat Parmar

ઇસ્લામોફોબીયા એ નફરતી ગુનાઓના ઉદભવ તરફ દોરી જવું એ કોઈ નવી ઘટના નથી.વર્તમાનમાં ‘ઇસ્લામોફોબિયા’ દિવસે દિવસે વધતો જોઈ શકાય છે.ઇસ્લામ વિરુદ્ધ જેટલો દુષ્પ્રચાર કરવામાં આવી રહ્યો છે તેનાથી સહું સારી રીતે વાકેફ છે એનું કારણ માત્ર ઇસ્લામ વિષે જાણકારી યા અભ્યાસ નો અભાવ દેખાય છે.વધુમાં વોટ્સએપ યુનિવર્સિટી,ફોર્વર્ડેડ મેસેજ અને આધાર પુરાવા વગર ક્રોસ ચેક કર્યા વગરના મેસેજો,એવો દુષ્પ્રચાર કરવામાં આવે છે કે ઇસ્લામ તલવારના જોરથી ફેલાયો છે.જો આવું હોત તો સંસારમાં અનેક ધર્મ હોવા છતાં,છેલ્લે આવેલ ધર્મ હોવા છતાં આ રીતે લોકોએ અપનાવ્યો ન હોત.ઈસ્લામનો અર્થ જ થાય છે ‘માનવ કલ્યાણ’. એક તથ્ય એ પણ છે કે આરબ મુસલમાનોને હરાવનારા બિનમુસ્લિમ તાતારીયોએ જીત મેળવ્યા પછી પણ હારેલા આરબોના ધર્મ ઈસ્લામને સ્વીકાર્યો હતો.જો તલવારની વાત હોત તો જીતેલા શા માટે એ ધર્મ અંગીકાર કરતા.!! ઈસ્લામમાં સમાનતાના ભાવને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે.મહિલાને વારસામાં અધિકાર પણ એ ઇસ્લામ પ્રેરિત છે.ઇસ્લામની સાચી રીતે જાણવા માટે જરૂરી જ્ઞાન અને શિક્ષણ પ્રાપ્ત કરવાની ફરજચૂકના કારણે મુસલમાનોની સાથે અન્ય તમામ ઇસ્લામના આચાર -વિચાર અને જીવનપદ્ધતિ સમજવામાં ક્યાંક ઉણા ઉતર્યા છે.જેના પરિણામે દેશબંધુઓમાં ઇસ્લામ અને મુસલમાનો વિશે ગેરસમજ ઊભી થવી સહજ અને સરળ બની ગયું છે.

ભારત – મિશ્રિત સમાજ ધરાવતો દેશ :

એક વાસ્તવિકતા એ છે કે બંધારણની દષ્ટિએ ભારત એક ધર્મનિરપેક્ષ દેશ છે, જ્યાં તમામ ધર્મો, સંપ્રદાયો અને સંસ્કૃતિઓ સાથે સમાન વ્યવહાર કરવાની બાંહેધરી આપવામાં આવી છે. અહીં શાસન તરફથી કોઈ વિશેષ ધર્મ કે સંપ્રદાયને માન્યતા પ્રાપ્ત નથી અને કોઈના કોઈની સાપેક્ષમાં કે તુલનામાં વિશેષ અધિકારો નથી.

બીજી વાસ્તવિકતા એ છે કે ભારત એક મિશ્રિત સમાજ ધરાવતો દેશ છે.અહીં અનેક ધર્મો અને સભ્યતાઓ અસ્તિત્વ ધરાવે છે. અહીં સદીઓથી વિવિધ ધર્મો અને સંપ્રદાયોના લોકો પોત-પોતાની આસ્થા અને જીવનશૈલી અનુસાર જીવન વિતાવે છે. આ એક એવો દેશ છે જયાં વેદ, મહાભારત, રામાયણ, ગીતા જેવા ધર્મગ્રંથો ઉપર આસ્થા રાખવાવાળા લોકો વસે છે. આ જ ધરતી ઉપર મહાવીર સ્વામીએ જૈન ધર્મ અને ગૌતમ બુદ્ધે બૌદ્ધ ધર્મની બુનિયાદ નાખી, ગુરુ નાનકે શિખ સંપ્રદાયની સ્થાપના કરી. અહીં ઇસાઈઓ અને પારસીઓ પણ વસે છે તથા ઇસ્લામ ધર્મના અનુયાયી-મુસલમાનો પણ સદીઓથી પોતાનું જીવન અહીં વિતાવી રહ્યા છે. કેટલાક લોકો એવાં પણ છે, જેઓ કોઈ પણ ધર્મમાં વિશ્વાસ ધરાવતા નથી.

આરોપો અને ગેરસમજોના કારણો :

બિનમુસ્લિમો તરફથી ઇસ્લામ અને મુસલમાનો ઉપર વિવિધ બાબતે આરોપો મૂકવામાં આવે છે. તેનું કારણ એક તો એ છે કે ઇસ્લામનો સાચો પરિચય તેમના સુધી
પહોંચી શક્યો નથી અને બીજું , તેમણે પણ પ્રમાણિકતાથી ઇસ્લામને સાચી રીતે જાણવા-સમજવાનો પ્રયત્ન કર્યો નથી. તેઓ મોટાભાગે એ જ માહિતીને સાચી માની લે છે, જે માધ્યમોમાં પ્રસિદ્ધ થતી રહે છે કે પછી અપ્રત્યક્ષ સાધનોથી ઉપલબ્ધ થાય છે. અબૂ ઈમામુદ્દીન રામનગરી (બનારસ) પોતાના પુસ્તક “ઇસ્લામ એક પરિચય’માં લખે છે કે,

“વિજેતા પક્ષ પ્રત્યે પરાજિત પક્ષમાં સ્વાભાવિક રૂપે જે કડવાશ અને ઘૃણા ઉત્પન્ન થતી હોય છે, તે મુસલમાનો પ્રત્યે દેશવાસીઓમાં ઉત્પન્ન થઈ. તેનું પ્રાયશ્ચિત
માત્ર એ રીતે સંભવ હતું કે મુસલમાનો શુદ્ધ રૂપે ઇસ્લામી જીવન વ્યતીત કરતા અને દેશવાસીઓને એ જોવાનો-અનુભવવાનો અવસર મળતો કે ઇસ્લામી જીવન માનવજાતિ માટે કેટલું સુખદાયી, કેટલું કલ્યાણકારી અને કેટલું મંગળકારી હોય છે, પરંતુ આવું થયું નહીં. તેનું પરિણામ એ આવ્યું કે દેશબંધુઓમાં મુસલમાનો પ્રત્યે જે કડવાશ અને ઘૃણા હતી , તેનાથી ઇસ્લામ પ્રત્યે તેમના ભ્રમને ખુબ વધુ દ્રઢ બનાવી દીધો. દુઃખદ બાબત એ છે કે મુસલમાનોનું વર્તમાન જીવન પણ ઇસ્લામ અનુસાર નથી. જયારે કે મુસલમાનો સ્વયં પોતાના વ્યવહારિક જીવનથી ઇસ્લામ પ્રત્યે દ્વેષ અને ભ્રમનું સર્જન કરી રહ્યા હોય તો માત્ર વાતોનું કંઈ વિશેષ મૂલ્ય રહી જતું નથી, મૂલ્ય તો એ જ વાતોનું હોય છે, જેની પુષ્ટિ વ્યવહાર અને કર્મથી થઈ રહી હોય…”

ઈતિહાસ-લેખન અને તેની પ્રસ્તુતિ સંદર્ભે આગળ લખે છે,

“ઇસ્લામ વિશે વિભિન્ન પ્રકારની ભ્રમણાઓ ફેલાયેલી છે અને તેનાં કારણો અનેક છે. તેમાંથી એક કારણ બહારથી ભારતમાં આવનારાં મુસલમાનોનો ઇતિહાસ છે, જે સ્વયં પણ ઇસ્લામ સંબંધે ભ્રમયુક્ત છે અને તે જે કંઈ પણ છે, તેનાથી અધિક ઇસ્લામ વિરોધી વિદ્વાનો અને ઇતિહાસકારોએ તેને ઇસ્લામ વિરુદ્ધ બનાવી દીધો છે.”

બિનમુસ્લિમો ઈસ્લામથી અજાણ :

ભારતમાં મુસલમાનો એક હજાર વર્ષો ઉપરાંતથી વસી રહ્યા છે અને બિનમુસ્લિમોના સાથે તેમની મિશ્ર આબાદીઓ છે. તે ઉપરાંત વેપાર-વાણિજય , લેણ-દેણ અને અન્ય મામલાઓમાં ડગલે ને પગલે એકબીજાથી સંપર્કમાં રહે છે. તેમ છતાં એ હકીકત છે કે તેમના વચ્ચે એક મજબૂત દીવાલ ઊભી છે. ન તો મુસલમાનોને પોતાના દેશબંધુઓના રીત-રિવાજો, આસ્થાઓ , ઇતિહાસ અને પરંપરાઓ તેમજ અન્ય ધાર્મિક બાબતોનું જ્ઞાન છે અને ન બિનમુસ્લિમોને મુસલમાનોની આસ્થાઓ અને માન્યતાઓ,બંદગી અને ઉપાસનાની પદ્ધતિઓ , ધાર્મિક મહત્ત્વ ધરાવતી ઓળખો અને ઇસ્લામના પાયાના શિક્ષણની સાચી માહિતી છે. આ અપરિચિતતા અને અજનબીપણું તેમનામાં ઇસ્લામ અને મુસલમાનો સંબંધે વિભિન્ન પ્રકારની શંકાઓ અને ગેરસમજો ઊભી કરે છે,જે તેમના મનમાં વ્યગ્રતા અને મૂંઝવણ પેદા કરે છે. જેમ કે મુસલમાનો હઝરત મુહમ્મદ સલ્લ.ના ઈશદૂતત્વ ઉપર આસ્થા ધરાવે છે, જે તેમની આસ્થાનો એક ભાગ છે. દિવસ-રાત તેઓ આ નામનું રટણ કરે છે. તે જ રીતે મુસલમાનો દર વર્ષે સાઉદી અરબમાં આવેલ મક્કામાં હજયાત્રાએ જાય છે. ઇસ્લામની બુનિયાદી આસ્થાઓ અને હજયાત્રાના ઇતિહાસથી અનભિજ્ઞતાના કારણે બિનમુસ્લિમોના મનમાં એ સંદેહ ઊભો થાય છે કે મુસલમાનો પોતાના વતનના પૂર્વજો અને જન્મભૂમિથી પ્રેમ નથી કરતાં, બલ્કે તેમનો સંબંધ બીજા દેશની ધરતી અને ત્યાંના પૂર્વજોથી છે. મુસલમાનો દિવસ-રાતમા પાંચ વખત નમાઝ પઢે છે. પરંતુ બિનમુસ્લિમો મસ્જિદો અને તેમાં પઢાતી નમાઝથી પણ અજાણ હોય છે. તેમાં દોષ બિનમુસ્લિમો કરતાં મુસલમાનોનો વધુ છે.

ઇસ્લામ અને મુસલમાનો વિરુદ્ધ પ્રચાર :

ઇસ્લામ અને મુસલમાનો વિરુદ્ધ ષડયંત્રો, શંકા-કુશંકાઓ અને ગેરસમજો ફેલાવવાનો સિલસિલો વૈશ્ચિક અને રાષ્ટ્રીય સ્તરે આમ તો ઘણાં વર્ષોથી ચાલુ જ હતો,પણ છેલ્લા બે-ત્રણ દસકાઓથી તેમાં ખૂબ વધારો જોવા મળ્યો છે. આંતરરાષ્ટ્રીય રાજકારણમાં મોટાં પરિવર્તનો તેનું કારણ હોઈ શકે છે. અહીં આપણા દેશમાં પણ એક વિશેષ જૂથની ઇસ્લામ અને મુસ્લિમ દુશ્મની ખૂબ સ્પષ્ટ અને ઘણી જૂની છે. આવી નકારાત્મક કોશિશોથી ચોક્કસપણે મુસલમાનોને તો નુકસાન પહોંચ્યું જ છે, પણ તેના કારણે ભારત જેવા બહુલ-સંસ્કૃતિ ધરાવતા અને સૌથી મોટાં ધર્મનિરપેક્ષ પ્રજાતાંત્રિક દેશની છબીને મોટું નુકસાન થયું છે તથા તેના વિકાસની ગતિ પણ અવરોધાઈ છે. આ પરિસ્થિતિનું વિશ્લેષણ થવું જોઈએ.

ઇસ્લામ અને મુસલમાનો વિરુદ્ધ પ્રચાર કરીને સંચાર માધ્યમોએ ગેરસમજો ફેલાવવામાં મોટી ભૂમિકા નિભાવી છે. આ નકારાત્મક પ્રચારમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ખૂબ તેજી આવી છે. વિવિધ પ્રકારની સામાજિક-રાજકીય ઘટનાઓને બુનિયાદ બનાવીને
ઇસ્લામ ઉપર પાયાવિ[હિન આરોપો મૂકવાએ તેમનું હંમેશાનું અભિયાન બની ગયું છે.તેમની રીત એ છે કે જૂઠને એટલી બધી વાર દોહરાવવું કે લોકો તેને સાચું માનવા લાગે.

કેટલાક ઉદાહરણો :

આવા નકારાત્મક પ્રચારના ઉદાહરણો દરરોજ સમાચારપત્રો અને માધ્યમોની શોભા બનતા રહ્યા છે. જેમ કે ઇસ્લામમાં “જિહાદ’નો અર્થ ઈશ્વરના માર્ગમાં સચ્ચાઈની સ્થાપના માટે સતત સંઘર્ષ થાય છે અને તેના આદેશો વિશેષ પશ્ચાદભૂમિ ધરાવે છે તેમજ તેની અનિવાર્યતા કેટલીક ખાસ શરતોનો તકાદો કરે છે. પણ પ્રચાર-પ્રસારની શક્તિથી તેને એટલું ભયાનક બનાવીને રજૂ કરવામાં આવ છે કે ‘જિહાદ’નો શબ્દ સાંભળતાં જ લોકોમાં ભય વ્યાપી જાય છે. ઇસ્લામને એવો લોહી તરસ્યો ધર્મ બનાવીને પ્રસ્‍તુત કરવામાં આવે છે કે એવું લાગે કે તે પરધર્મીઓનો જીવવાનો અધિકાર પણ છીનવી લે છે. જ્યારે કે ઇસ્લામમાં કોઈ એક વ્યક્તિને મારી નાખવું એ સમસ્ત માનવતાની હત્યા કરવા બરાબર છે. તે જ રીતે ઇસ્લામે મહિલાઓને જે અધિકારો અને આદર-માન આપ્યા છે, તે ધર્મો અને વિચારધારાઓના ઈતિહાસમાં બેનમૂન છે. ઇસ્લામે સ્રી અને પુરુષના જીવન-કાર્યોને ખૂબીથી વહેચી દીધા છે, જેથી સાંસારિક જીવન સુખ-ચેનથી ચાલે. તે માટે તેણે સ્રીના જીવન-નિર્વાહ માટે પુરુષને જવાબદાર બનાવ્યો અને સ્રીને ધરની જવાબદારી સોંપી. સ્રીને ઘર અને બજાર, એમ એકી સાથે બેજવાબદારીઓથી બચાવી , પણ આરોપ એ મૂકવામાં આવ્યો કે સ્રીને ઘરની ચાર દીવાલોમાં કેદ કરી દેવામાં આવી છે. ઇસ્લામે શરતોને આધિન ચાર પત્નીઓ કરવાની પરવાનગી આપી છે, એટલું જ નહિં, વિવાહના પવિત્ર બંધનને શરતોને આધીન અને અનેકથી ચાર સુધી મર્યાદિત કરીને તેને કાયદેસરતા બક્ષી છે. તેને પણ એ રીતે રજૂ કરવામાં આવે છે કે જાણે ઇસ્લામે ચાર પત્નીઓ કરવાની તાકીદ કરી હોય અને પ્રત્યેક મુસ્લિમ અનિવાર્યપણે ચાર પત્નીઓ કરે ! સાચી વાત તો એ છે કે સર્વેક્ષણો મુજબ બહુપત્નીત્વનું પ્રમાણ મુસલમાનો કરતાં અન્ય ધર્મો અને સંપ્રદાયોમાં વધુ છે. તે ઉપરાંત ગેરકાયદેસર સંબંધોની યાદી તો તેનાથી ઘણી લાંબી છે.

ટૂંકમાં ઇસ્લામ માતા પિતા-સગા વહાલા સાથે સદ્-વર્તન,પડોસીના અધિકારો, સામાજિક સંબંધોમાં સહિષ્ણુતા,ગરીબો અને નિર્ધનોને નાણાંકીય મદદ, ભેટ-સોંગાદોની આપ લે,આદર-માન અને સન્માન,પરસ્પર લેણદેણ અને વ્યવહાર,ગરીબો-શોષિતો-વંચિતોની મદદની સાથે માનવ કલ્યાણનો મજબૂત ઉપદેશની સાથે આ બધી બાબતોને અમલીકરણ કરવાની શીખ આપે છે.

સંદર્ભ : ઈસ્લામ અને મુસલમાન (ગેરસમજો અને પૂર્વગ્રહોનું નિવારણ)

Check out our other content

Check out other tags:

Most Popular Articles